04/06/2026
વડોદરા : વોર્ડ નં. 10માં પ્રિમોનસૂન કામગીરી પર મોટા સવાલો: જનતા મુશ્કેલીમાં, કોન્ટ્રાક્ટરો મોજમાં?
નવનિયુક્ત અને રીપીટ થયેલા નેતાઓ જવાબદારી ભૂલ્યા, અધિકારીઓની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો
વડોદરા શહેરના વોર્ડ નંબર 10 ના ભાયલી આંબેડકર સોસાયટી , મહાદેવ મંદિર નજીક પીવાના પાણી લાઈન નીકળી રહી છે જેનો વાલ વરસાદી કાશ જેવી જગ્યામાં હોય જે પાણી વિસ્તારમાં અનેકો જગ્યા પર પહોંચે છે, પ્રિમોનસૂન કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વરસાદી સિઝન નજીક આવી રહી હોવા છતાં અનેક વિસ્તારોમાં ગટર સફાઈ, ડ્રેનેજ લાઈન જાળવણી અને પાણીની લાઈનોની મરામત જેવી કામગીરી સંતોષજનક રીતે પૂર્ણ થઈ નથી તેવી સ્થાનિકોમાં ચર્ચા છે.
નવનિયુક્ત નેતાઓ તેમજ સત્તાધારી પક્ષ દ્વારા ફરીથી તક અપાયેલા જૂના નેતાઓ પ્રજાની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે કેટલા ગંભીર છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે પ્રિમોનસૂન કામગીરી માત્ર કાગળો પર જ દેખાઈ રહી છે, જ્યારે જમીન સ્તરે તેની અસર દેખાતી નથી.
બીજી તરફ, કેટલાક અધિકારીઓ સામે પણ કામગીરીમાં પારદર્શિતાના અભાવ અને કથિત ગેરરીતિઓના આક્ષેપો થઈ રહ્યા છે. પ્રિમોનસૂન કામગીરીના નામે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેની વાસ્તવિક અસર નાગરિકોને અનુભવાતી નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે.
જો સમયસર ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા સુદૃઢ નહીં કરવામાં આવે તો વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. સાથે જ પીવાના પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થવાની શક્યતા વધે છે, જેના કારણે પાણીજન્ય અને ચેપી રોગચાળો ફેલાવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો વરસાદ પહેલાં જ રોગચાળો ફેલાય અથવા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? એક તરફ જનતા તકલીફ ભોગવવાની તૈયારીમાં છે, જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરોને મળેલા કામોની ગુણવત્તા અને દેખરેખ અંગે પણ પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે.
વોર્ડ નંબર 10ના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે સંબંધિત વિભાગો તાત્કાલિક અસરથી પ્રિમોનસૂન કામગીરીની સમીક્ષા કરે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે અને વરસાદ પહેલાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરે જેથી જનતાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.