28/03/2022
*"સ્ત્રી અને ધર્મ બન્ને માંથી મહાન કોણ?"*
*આ લેખ માં માત્ર સ્ત્રી અને ધર્મ ની ચર્ચા છે, કેમ કે સ્ત્રી ને જ ધાર્મિક બંધનો નડતર રૂપ બનતા જોવા મળે છે, પુરુષ ને નહિ !*
*સ્ત્રી પણ બધી અને ધર્મ પણ બધા કોઈ એક જ સ્ત્રી કે કોઈ માત્ર એક જ ધર્મ ની વાત અહીંયા નથી.*
*ભારત દેશ ના તમામ ધર્મ અને પ્રદેશ માં સ્ત્રી ની માત્ર ગુલામગીરી જ નજરે પડે છે. સમગ્ર માનવ જાત ની ઉત્પત્તિ સ્ત્રી ને આધીન છે પરંતુ સ્ત્રી ને જ કેમ બંધનયુક્ત બનાવાય છે?*
*હું નાનો હતો ત્યારે વાર્તા સાંભળતો કે રામાયણ, મહાભારત કે અન્ય ધર્મ ની વાર્તા સાંભળતો ત્યારે મને માત્ર પુરુષ નું જ વર્ચસ્વ સાંભળવા અને જોવા મળતું. રામ, લક્ષ્મણ, કૃષ્ણ, સુદામા, બલરામ, ભીમ, અર્જુન અને અન્ય પુરુષ પાત્રો ને આશ્રમ માં અભ્યાસ માટે જતા જોયા કે સાંભળ્યા હતા. પરંતુ સીતા, દ્રૌપદી, ઉર્મિલા, રાધા, કુંતા કે અન્ય સ્ત્રી પાત્ર ની શિક્ષણ ની ક્યાંય વાત જોવા મળતી નથી, કેમ ? ખબર નહીં? શું માત્ર પુરુષ ને જ શિક્ષણ નો અધિકાર હતો?*
*કોઈ પુરુષ નું અવસાન થાય એટલે સ્ત્રી ને સતી કરવાનો રિવાજ હતો. પણ ક્યાંય એવું નથી સાંભળવા મળ્યું કે કોઈ સ્ત્રી નું અવસાન થાય અને પુરુષ ને સતો કરવો પડ્યો હોય.*
*મસ્જિદ માં સ્ત્રી ને પ્રવેશ નથી હોતો કેમ ? સમજાતું નથી કોઈ ધર્મ એવો તો કેવો હોઈ શકે જે સ્ત્રી - પુરુષ માં ભેદભાવ ઉભો કરે!, પુરુષ માત્ર ત્રણ વખત બોલે તલાક, તલાક, તલાક અને છૂટું પડી જવાય પરંતુ સ્ત્રી આખું જીવન બૂમો પાડી ને પોતાના દુઃખો સાંભળાવે છતાં ન્યાય નથી મળતો.*
*કોઈ સ્ત્રી માસિક માં હોય ત્યારે મંદિર માં પ્રવેશ નહિ. અને અમુક પુરુષ તો આ સમય દરમિયાન સ્ત્રી ને પશુ સમાન વ્યવહાર કરતા જોવા મળે છે. પાણી નો પ્યાલો અલગ, જમવાનુ અલગ, એક ખૂણા માં બેસી રહેવાનું કોઈ ને સ્પર્શ કરવાનો નહિ.*
*દક્ષિણ ભારત માં ચાલતી દેવદાસી પ્રથા એ કેટલી કલંક રૂપ છે. એવી તે કેવી પ્રથા જેમાં કોઈ છોકરી ને દેવ (મૂર્તિ) સાથે લગ્ન કરાવી દેવામાં આવે અને અલગ મંદિરમાં રહેવાનું અને ગામના લંપટ લોકો એ દેવની વહુ ઉપર શારીરિક સંબંધ બાંધે. અને પ્રથા સમજવી કે શારીરિક ભૂખ સંતોષવાની એક યોજના.*
*મહારાષ્ટ્ર ના એક મંદિર માં નવરાત્રી દરમિયાન કુંવારીકા ઓ દ્વારા મંદિરમાં નગ્ન અવસ્થામાં પૂજા અર્ચના કરવાની પ્રથા. કેટલી યોગ્ય ?*
*દેવી - દેવતા માં જો કોઈ ભેદભાવ નથી, સ્ત્રી પણ માતાજી સ્વરૂપે જોવા મળે છે તો સ્ત્રી ની આવી દશા કેમ?*
*હું જયારે એક સામાજિક સંસ્થા માં કામ કરતો હતો ત્યારે ઇઝરાયેલ દેશ નું એક કપલ એડ્રિયનભાઈ અને રિચેલબેન મારા મિત્રો છે. હું એક વાર તેમના રૂમ માં મળવા ગયો ત્યારે હું દ્રશ્ય જોઈ ને આશ્ચર્ય ચકિત થઇ ગયો. રિચેલબેન પથારીમાં વાંચી રહ્યા હતા અને એડ્રિયનભાઈ કપડાં ધોઈ રહ્યા હતા. મેં પૂછ્યું કેમ તમે કપડાં ધોવો છો ? મને જવાબ મળ્યો અમે બન્ને એ કામ વહેંચેલા છે તે જમવાનુ બનાવે તો હું વાસણ ધોઈ નાખું. તમામ કામ બન્ને કરતા. પણ આપણે ઉલટૂં કરીએ છીએ. ઘરનું તમામ કામ માત્ર સ્ત્રી જ કરે છે. અને પુરુષ ઘર કામ માં મદદરૂપ બનતો જોવા મળતો નથી.*
*સમર્પણ ની ભાવના પણ એક સ્ત્રી માં જોવા મળે છે. સાથે-સાથે વેદના, દુઃખ, પીડા, દર્દ, ભૂખ, તરસ, નિરાશા, એકલાપણુ, ત્યાગ, બલિદાન, કલંક, આરોપ, કનળગત, બળત્કાર, ધિક્કાર, તિરસ્કાર, અપમાન, નીચ, હિંસા અને કુરિવાજો માં ફસાયેલી જોવા મળે છે. છતાં મૂંગા મોઢે સહજતાથી સહન કરી ને પોતાના ઘર - સંસાર નું ગાડું ચલાવે છે.*
*સમજાતું જ નથી સ્ત્રી ની સરખામણી એ કોઈ આવી શકે ? તો સ્ત્રી જ મહાન છે. ધર્મ તો સ્ત્રી ને દબાવવા નું કાર્ય કરે છે તેને બંધન માં રાખવા માંગે છે જયારે સ્ત્રી ધર્મ ને વરી એ સંસ્કાર નું સિંચન કરે છે.*
*સ્ત્રી છે એટલે ધર્મ છે, ધર્મ માં તો સ્ત્રી નું અસ્તિત્વ ક્યાં છે ?*
*દિલીપ સોલંકી*
*(સ્થાપક - જન કલ્યાણ ટ્રસ્ટ)*