09/02/2026
ગરીબી મુક્ત અને આત્મનિર્ભર સમાજ બનાવવા માટે ઝકાતની સામૂહિક વ્યવસ્થા અનિવાર્ય: ZCI અમદાવાદ યુનિટ
તારીખ 8 ફેબ્રુઆરી, રવિવારના રોજ ગુજરાત ટુડે હોલ, શાહઆલમ, અમદાવાદ ખાતે ઝકાત સેન્ટર ઓફ ઇન્ડિયા – અમદાવાદ યુનિટ દ્વારા વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જનાબ શકીલ અહમદ સાહેબની કુરાનનીતઝકીરથી થઈ હતી, જેમાં તેમણે ઝકાતની સામૂહિક વ્યવસ્થાની મહત્તા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ ગેસ્ટ ઓફ ઓનર અને ગુજરાત સરકારના નિવૃત્ત પ્રિન્સિપાલ પ્રાઈવેટ સેક્રેટરી મુસ્તફા ખેરૂવાલા સાહેબે કલ્યાણકારી કાર્યો કરતી વિવિધ સંસ્થાઓ વચ્ચે પરસ્પર સંકલન ઊભું કરવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.
ત્યારબાદ ગેસ્ટ ઓફ ઓનર, જાણીતા ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ ડૉ. રાશિદ વ્હોરા સાહેબે ZCI ની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિમાં ઝકાતની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે ઉમેર્યું કે ઝકાતની સાચી સફળતા એ છે કે ઝકાત લેનાર વ્યક્તિ ભવિષ્યમાં ઝકાત આપનાર બની જાય. તેમણે સચોટ ઉદાહરણ આપતા કહ્યું હતું કે આપણે માત્ર રોગના લક્ષણો પર કામ કરવાને બદલે ગરીબીના મૂળ કારણોને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા શેહઝાદ ખાન પઠાણ સાહેબે જણાવ્યું હતું કે સેવા માટે માત્ર ધન નહીં, પરંતુ સાચા મન અને નિષ્ઠાની જરૂર છે. તેમણે ઝકાત વિશે સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવા માટે આહવાન કર્યું હતું.
દારુલ ઇફ્તાહ વલ કઝા અમદાવાદ પૂર્વના મુફ્તી સૈયદ શફી આલમ અશરફી સાહેબે દીની પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ઝકાતની સામૂહિક વ્યવસ્થાનો અમલ મદની દોરમાં થયો હતો. ઇસ્લામે મુસ્તાહિક એટલે કે હકદાર કોણ છે તે અંગે સ્પષ્ટ આદેશો આપ્યા છે અને ZCI એવી પારદર્શક વ્યવસ્થા ઊભી કરી છે કે જેના દ્વારા ઝકાત સાચા હકદાર સુધી પહોંચી શકે. ત્યારબાદ ZCI અમદાવાદ યુનિટના સેક્રેટરી જનાબ વાસિફ હુસેન સાહેબે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભર ઉમ્મહનું નિર્માણ કરવાનો છે. તેમણે ખાસ નોંધ્યું હતું કે અમદાવાદ યુનિટનો વહીવટી ખર્ચ શૂન્ય છે અને સંસ્થામાં નિયમિતપણે શરિયા તેમજ ફાઇનાન્સિયલ ઓડિટ કરવામાં આવે છે.
અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ ડૉ. મોહમ્મદ સલીમ પટીવાલા સાહેબે હઝરત અબ્દુલ્લાહ બિન મસૂદ રઝિ અલ્લાહુ અન્હુના હવાલાથી જણાવ્યું હતું કે જે લોકો ઝકાત આપતા નથી તેમની નમાજ પૂર્ણ ગણાતી નથી. તેમણે નબી ﷺ અને ખુલફા-એ-રાશિદીનના સમયની સામૂહિક વ્યવસ્થાને પુનઃ જીવંત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઝકાતના ત્રણ મુખ્ય ધ્યેયો સમજાવ્યા જેમાં આત્માની શુદ્ધિ, ગરીબીનું નિર્મૂલન અને દીનની સેવા મુખ્ય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિરાદર રાશિદ હુસૈન સાહેબે કર્યું હતું અને ડૉ. શાહિદ મલિક સાહેબની આભારવિધિ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. કાર્યક્રમ બાદ તમામ મહેમાનો માટે લંચની વ્યવસ્થા રાખવામાં આવી હતી.