30/09/2026
SSIP પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ફળ અને ઔષધીય વનસ્પતિના પાઉડરનું પ્રદર્શન
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે SSIP 2.0 અંતર્ગત વિદ્યાર્થી વિશાલ સાંજવા અને સુમિત વરુ દ્વારા “Reviving Forgotten Indian Seasonal Fruits – Mix Fruit & Herb Powder” પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ફળો તથા ઔષધીય વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવેલા પાઉડરનું પ્રદર્શન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓ દ્વારા બીલો, ફુદીનો, હાથલા, તુલસી, કાચા બીલા, જામફળ અને મોરિંગા વગેરેના પાઉડર તૈયાર કરવામાં આવ્યા છે. આ વિવિધ પાઉડરનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના જ્યુસ તૈયાર કરી તેનું પ્રાયોગિક નિદર્શન SSIP સમિતિ સમક્ષ રજૂ કર્યું.
વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પાઉડર અને તેમાંથી બનાવવામાં આવેલા જ્યુસ અંગે SSIP સમિતિ સમક્ષ વિગતવાર રજૂઆત કરી તથા પ્રોજેક્ટના વધુ વિકાસ માટે સમિતિ પાસેથી પ્રતિસાદ અને માર્ગદર્શન મેળવ્યું. કોલેજના આચાર્યશ્રી ડૉ. જે. આર. વાંઝા સહિત SSIP સમિતિના સભ્યોએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને પ્રોજેક્ટને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.
આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં નવાચાર, પ્રયોગાત્મક અભિગમ, પરંપરાગત તથા ભુલાઈ રહેલા ફળોના પુનઃઉપયોગ અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું.