06/04/2023
આજના વ્યક્તિ વિશેષ :- #ચંદ્રવદન_ચીમનલાલ_મહેતા
જન્મ :- ૬ એપ્રિલ, ૧૯૦૧ સુરત
અવસાન :- ૪ મે, ૧૯૯૧
વ્યવસાય :- #નાટ્ય #લેખક, #વિવેચક, લેખક, #કવિ,
#પ્રવાસવર્ણન લેખક
શિક્ષણ :- બી.એ.
નોંધપાત્ર સર્જનો :- #નાટ્ય_ગઠરિયાં
નોંધપાત્ર પુરસ્કારો :- પદ્મશ્રી (૧૯૬૨)
સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૧)
સંગીત નાટક અકાદમી ફેલોશીપ (૧૯૮૪)
ચંદ્રવદન મહેતાનો જન્મ ૬ એપ્રિલ ૧૯૦૧ના રોજ દક્ષિણ ગુજરાતના #સુરતમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ #વડોદરામાં અને માધ્યમિક #શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૯માં તેઓ મૅટ્રિક થયા. ૧૯૨૪ માં મુંબઈ #ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. થયા. તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૨૮માં તેઓ #નવભારતના સંપાદક તરીકે જોડાયા હતા. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી તેઓ મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં #શિક્ષક હતા. ૧૯૩૮માં તેઓ મુંબઈ તેમ જ ૧૯૫૪માં અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક તરીકે રહ્યા હતા. નિવૃત્તિ બાદ તેઓ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન રહ્યા હતા. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની #નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં હતા. આજે તેઓ #નાટ્યકલાના #વિશ્વવિખ્યાત તદ્વિદ ગણાય છે. તેઓ ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.
*સર્જન*
મંચનક્ષમતા ધરાવતાં #નાટકો, #હાસ્યકટાક્ષથી સ્વીકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક #કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ-એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે. #રંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખ્તાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. ટ્રેજેડી, કૉમેડી, ફારસ, ભાંડભવાઈ ઉપરાંત #ઐતિહાસિક, #સામાજિક, #પૌરાણિક તેમ જ #જીવનચરિત્રવિષયક સામગ્રીનો એમણે ઉપયોગ કર્યો છે. નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે.
*નાટ્યગ્રંથો*
એમણે ઓગણત્રીસ જેટલા નાટ્યગ્રંથો આપ્યા છે. ‘અખો’ (૧૯૨૭), ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭), ‘અખો વરવહુ અને બીજાં નાટકો’ (૧૯૩૩), ‘આગગાડી’ (૧૯૩૩), ‘રમકડાંની દુકાન’ (૧૯૩૪) ‘નર્મદ’ (૧૯૩૭), ‘ #નાગાબાવા’ (૧૯૩૭), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭), ‘સીતા’ (૧૯૪૩), ‘શિખરિણી’ (૧૯૪૬), ‘ #પાંજરાપોળ’ (૧૯૪૭), ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ (૧૯૫૧), ‘રંગભંડાર’ (૧૯૫૩), ‘સોનાવાટકડી’ (૧૯૫૫), ‘માઝમરાત’ (૧૯૫૫), ‘મદીરા’ (મિડિયા) (૧૯૫૫), ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬), ‘હોહોલિકા’ (૧૯૫૭), ‘કપૂરનો દીવો’ (૧૯૬૦), ‘પરમ માહેશ્વર’ (૧૯૬૦), ‘સતી’ (૧૯૬૦), ‘કરોળિયાનું જાળું’ (૧૯૬૧), ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬), ‘ધરાગુર્જરી’ (૧૯૬૮), ‘અંદર અંદર’ (૧૯૬૯), ‘અબોલા રાણી’ (૧૯૭૨), ‘ #સંતાકૂકડી’ (૧૯૭૨), ‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪), ‘અંતર-બહિર અને બીજાં નાટકો’ (૧૯૭૫).
*કાવ્યગ્રંથો*
એમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકોરના કાવ્યાદર્શનો સ્વીકાર અને બીજી બાજુ ભગિનીપ્રેમના છદ્મ ભાવાવેગની સંદિગ્ધતાનો પુરસ્કાર છે. ‘યમલ’ (૧૯૨૬)માં ચૌદ સૉનેટોનો સંચય છે. ‘ઇલાકાવ્યો’ (૧૯૩૩)માં ‘યમલ’નું પુનમુર્દ્રણ અને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૉનેટ છે. ‘ચાંદરણાં’ (૧૯૩૫) બાલગીતસંગ્રહ છે તો ‘રતન’ (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંક્તિનું #કથાકાવ્ય છે. આ કાવ્યમાં બહેન રતનનો ત્યાગ અને એનું મૃત્યુ નિરૂપાયાં છે. ‘રૂડો રબારી’ (૧૯૪૦) કથાકાવ્ય પછી ‘ચડો રે શિખર રાજા રામનાં’ (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે, જેમાં ‘ઓ ન્યૂયોર્ક’, ‘કોલોક્વિલ ગુજરાતીમાં કવિતા’ જેવી રચનાઓ વિશિષ્ટ છે.
*કથાસંગ્રહો*
‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘ #વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો છે; તો ‘મંગલમયી’ (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે. એમણે ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે. નાટ્યકાર પછી આ લેખકનું સૌથી બળુકું અંગ ગદ્યકારનું છે. પ્રશિષ્ટ છટાઓ ને તળપદા સ્તરોથી પ્રગટતી ભાવભંગીઓ સાથે વ્યક્તિત્વનો પ્રબળ અંશ સામિલ કરી જીવંત પુદગલ રચતું એમનું ગદ્ય એણની આત્મકથાઓમાં ને પ્રવાસકથાઓમાં જોઈ શકાય છે. એમની વિવિધ ‘ગઠરિયાં’ વિવિધ વિષયસંદર્ભે છૂટેલી વિશેષ ભાષાગઠરિયાં છે : ‘ #બાંધ_ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪), ‘ #છોડ_ગઠરિયાં’ (૧૯૫૬), ‘સફર ગઠરિયાં’ (૧૯૫૬), ‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨), ‘રંગ ગઠરિયાં’ (૧૯૬૫), ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫), ‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧), ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩), ‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬) અને ‘ગાંઠ બંધનિયાં’ (૧૯૭૬).