09/01/2023
જય માઁ અંબે...🙏 🙏
#અંબાજી માતાના મંદિર અને શ્રી યંત્ર ...!!!
અંબાજીનું મૂળ મંદિર બેઠા ઘાટનું નાનું છે, અને આગળ મોટો સભામંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. જેમાં માન્યતા પ્રમાણે માતાજીની મૂર્તિ નથી, પરંતુ ગોખમાં વાસ્ત્રલંકારો અને મુખવટો એવી રીતે ગોઠવવામાં આવે છે કે, જેથી દર્શન કરનારને માતાજી પોતાના વાહન ઉપર બેઠાં હોય તેવો ભાસ થાય છે. પાસે અખંડ ઘીના બે દીવા બળે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબું છે જેના ઉપર ત્રણ ત્રિશૂળ છે.
શ્રી અંબાજી મંદિર એ તંત્ર સંપ્રદાયનું સિદ્ધિ શક્તિપીઠ છે. માતાજીના નિજ મંદિરની સાથે ચાંદીના ચલયંત્રની પ્રતિષ્ઠા મેરૂ પૃષ્ઠની આકૃતિથી કરવામાં આવી છે. તેમાં લાંબા સમય સુધી તાંત્રિક પૂજારી પૂજા-અર્ચા કરી શકે તે માટે ચલયંત્રની સ્થાપના કરવામાં આવી છે. તેમાં દીક્ષા પામેલા પૂજારીને જ પૂજા કરવાનો અધિકાર રહે છે. મંદિરના ગર્ભગૃહમાં આવેલું મુખ્ય સ્થાન માતાજી ની મૂર્તિ ધરાવતું નથી, પણ ‘'શ્રી વિસાયંત્ર’' કહેવાતું એક યંત્ર છે, જેનો એવી રીતે શણગાર કરવામાં આવે છે કે, અહીં મૂર્તિ હોવાનો અનુભવ થાય છે ! આ યંત્રની અહીં પૂજા થાય છે.
આ શ્રી વિસાયંત્ર ઉપર કુલ ૫૧ અક્ષરો કોતરાયેલા છે, જે આર્યાવર્તમાં આવેલી ૫૧ શક્તિપીઠોને દર્શાવે છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે. જે #ઉજ્જૈન તેમજ #નેપાળ ના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું મનાય છે. આ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. એવું કહેવાય છે કે, મંદિરના પૂજારી પણ આ યંત્રને આંખે જોઈ શકતા ન હોઈ હંમેશા આંખે પાટા બાંધીને તેમની પૂજા કરવામાં આવે છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. હવન વખતે પુષ્કળ ઘી હોમાય છે. કારણ કે અંબાજીના મંદિરમાં તેલનો વપરાશ બિલકુલ જ નથી થતો. આ વિશાળ ચાચર ચોકમાં મંદિરના વહીવટદારોની ઓફિસો અને કાર્યલય છે. આ ચોકમાં મેળા વખતે અને નવરાત્રિમાં માતાજીના ગરબા-રાસ આખી રાત થાય છે.
મંદિરમાં માતાજીનાં દર્શન માટે સુવર્ણજડિત શ્રી વિસાયંત્ર છે. જે શક્તિની આરાધના માટે મહત્વનું છે. આકાર ઉપાસના માટે ભક્તોને મૂર્તિરૂપી અવલંબનની આવશ્યકતા હોય છે, આથી પૂજારીઓ વસ્ત્રો, અને આભૂષણો દ્વારા માતાજીની મૂર્તિ સાક્ષાત્ હોય તેવી રચના કરે છે અને દિવ્ય વાતાવરણ સર્જે છે. મહાશક્તિના દરરોજ અલગ અલગ વાહનથી સવારી સાથે દર્શન કરાવાય છે.
માતાજીનું સવારનું સ્વરૂપ બાળસ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે. માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા દ્રશ્યમાન થાય છે.
અંબાજી મંદિર અને માઁ ની પૂજા કરતા ભટ્ટજી મહારાજ નો ઇતિહાસ......
અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહ્ન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઇમ આરતી કરવામાં આવે છે.
#દાંતા સ્ટેટ સમયથી એટલે કે આશરે દોઢસો વરસથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાના ભટ્ટજી પૂજારી તરીકે નિમણૂંક પામેલા છે. માધવલાલ લલ્લુભાઈ પાધ્યા, છોટાલાલ મંગળજી ઠાકર, રામશંકર મંગળજી ઠાકર, કાંતિલાલ મોહનલાલ ઠાકરના પરિવાર પૂર્વજોનો વારસો સંભાળી આજે પણ પૂજાવિધિ કરી રહ્યા છે. આ પૂજામાં રહેતા ભટ્ટજી મહારાજ એમના પરિવાર સાથે રહેતા નથી એવી એમની પરંપરા રહેલી છે. આવી જ પરંપરા બદ્રીનારાયણ મંદિરમાં પણ છે. માતાજીની પૂજા દીક્ષિત પૂજારી ભટ્ટજી પરિવારવાળાને ગુરુ પરંપરા પ્રમાણે દીક્ષા મળ્યા પછી જ માતાજીની પૂજા કરવાની છૂટ મળે છે'
અંબાજી અવલ્લીની ગિરિમાળામાં આવેલું હોવાથી જે પર્વત ઉપર દામોજીના કુંવર જશરાજે ઠઠ્ઠાથી આવી રાજધાની કરી હતી. અને માતાજીની સ્થાપના કરી હતી તે પર્વતને #ગબ્બરગઢ કહેવાય છે. આ ગબ્બરગઢ અંબાજીની પશ્ચિમે ચાર કિલોમીટર ઉપર જ છે. અહીં ગબ્બરગઢમાં સૌથી ઉપર ટોચે માતાજીનું સ્થાનક છે. અહીં જવા અને પ્રદક્ષિણા કરી ઊતરવા માટે પગથિયાંની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગબ્બરની અંદર અંબાજીનું ગુફાનું દ્વાર હોવાનું મનાય છે. ઉપર પીપળા પાસેની તિરાડમાંથી ભાવિક ભક્તોને હજી પણ હિંડોળા નો અવાજ સંભળાય છે.
એક કહેવત છે કે, "જે ચઢે ગબ્બર તે બને જબ્બર.'' અહીં અખંડ દીપ પ્રજ્વલિત છે. આ જ્યોત માતાજીનું જ્યોતિસ્વરૂપ છે. આ જ્યોત અંબાજી મંદિરમાંથી પણ દેખાય છે.
upadhyay