07/06/2026
ડ્રેસિંગ રૂમ
હાલમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટમેચ રમાઈ રહી છે. ગઈ કાલે વરસાદ પડવાને કારણે મેચ રમવી શક્ય નહોતી. આ ખાલી સમય દરમિયાન ખેલાડીઓ તેમના ડ્રેસિંગરૂમમાં કેવો સમય વિતાવે છે તેનો વિડીયો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રસારિત થયો હતો, જેમાં દરેક ખેલાડી સમયના સદુપયોગમાં વ્યસ્ત હતા. આ તસવીરમાં દેખાતો ખેલાડી જેકબ બેથેલ (Jacob Bethell) છે, જે શાંતિથી પુસ્તક વાંચી રહેલો નજરે પડે છે.
આ બાબત હું એટલા માટે જણાવું છું કે પશ્ચિમી દેશોમાં આજે પણ ફુરસતના સમયમાં પુસ્તક વાંચવાની સંસ્કૃતિ જીવંત જોવા મળે છે. લોકો દરેક સમયે મોબાઈલમાં નથી ગૂંચવાયેલા રહેતા. પછી એ બીચ હોય, એરપોર્ટ હોય, દરિયાઈ જહાજની મુસાફરી હોય કે કોમ્યુનિટી મેળાવડો હોય, ત્યાં તમને લોકો પુસ્તક વાંચતા નજરે પડશે.
પણ આપણે ત્યાં હવે તો વૃદ્ધો પણ ઘરની બહાર ઓટલે કે ગામના પાદરે બેઠા હોય, કે પછી મંદિરના પરિસરમાં બેઠા હોય, ત્યાં તેઓ મોબાઈલની જાળમાં ગૂંથાયેલા જ દેખાય છે. આજથી દસ વર્ષ પહેલાં હું સાંજના સમયે સોસાયટીના રોડ પરથી પસાર થતો, ત્યારે કોઈ વડીલ ઘરની બહાર બેઠા હોય તો તેઓ કંઈક તો વાંચતા હતા કે પછી પરસ્પર સારી ચર્ચા કરતા દેખાતા. હવે એ દ્રશ્ય દુર્લભ બન્યું છે.
રવિવારના દિવસે લાઇબ્રેરી એટલા માટે ખુલ્લી રાખવામાં આવે છે કે લોકો રજાના દિવસે નિરાંતે પુસ્તકો વાંચવા માટે આવે. બાળકો અને વૃદ્ધો જ્યારે લાઇબ્રેરીનું પગથિયું ચડતા હોય, ત્યારે એમને આવકારવાનો આનંદ જ અલગ હોય છે. હજી પણ અમારી લાઇબ્રેરીમાં આ વાંચન સંસ્કૃતિ જીવંત છે, તે એક સંતોષમય આશ્વાસન છે.
દુન્યવી ચર્ચાઓ, ધરણાં, રાજકારણીઓના સરઘસ, વિરોધ પ્રદર્શન વગેરે માટે આપણી પાસે સમય જ સમય છે! પણ જ્યારે એવું કહેવામાં આવે કે અઠવાડિયામાં એક દિવસ લાઇબ્રેરીમાં અચૂક જાવ, તો તરત કહેશે, “સમય જ ક્યાં મળે છે?” બહાનાઓ અને જૂઠાણાથી શરૂ થતો આપણો દિવસ બહાનાઓ અને જૂઠાણાથી જ પૂરો થાય છે!
તમારી જાણ હેતુ:
આ તસવીરમાં દેખાતો ખેલાડી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ઉભરતો ખેલાડી જેકબ બેથેલ છે. તે ૨૦૨૨ના અંડર-૧૯ (Under-19) વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત સામે રમ્યો હતો. ભલે એ ફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી, પણ આ યુવા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓ મેદાન પર જેટલા સક્રિય છે, તેટલો જ રસ તેઓ પુસ્તકો વાંચવામાં પણ ધરાવે છે, જે આજના યુવાવર્ગ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.
તસ્વીર સૌજન્ય : ECB CO.UK
ગ્રંથપાલ ,
કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી